શું કૃષિ સુધારા બિલ ખેડૂતોની સાથે સાથે ગરીબ અને મધ્યમ વર્ગનાં પણ ખિસ્સા ખાલી કરી નાંખશે?

શું કૃષિ સુધારા બિલ ખેડૂતોની સાથે સાથે ગરીબ અને મધ્યમ વર્ગનાં પણ ખિસ્સા ખાલી કરી નાંખશે?

આજ-કાલ દેશભરના ખેડૂતો કેન્દ્ર સરકારે લોકસભામાં પાસ કરેલ ત્રણ કૃષિ સુધારા બિલના વિરોધમાં આંદોલનો કરી રહ્યા છે, તો ચાલો જાણીએ આ નવા કૃષિ સુધારા બિલ વિશે એકદમ સરળ ભાષામાં. આપણા દેશની કેન્દ્ર સરકારે 14 સપ્ટેમ્બર 2020 ના રોજ નીચે મુજબના ત્રણ કૃષિ સુધારા બિલોને વિપક્ષના ઉગ્ર વિરોધ વચ્ચે લોકસભામાં પાસ કર્યા.
1. ધ ફાર્મર્સ પ્રોડ્યૂસ ટ્રેડ એન્ડ કૉમેર્સ (પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) બિલ, 2020.
2. ધ ફાર્મર્સ (એમ્પવર્મેન્ટ એન્ડ પ્રોટેકશન) એગ્રીમેન્ટ ઓફ પ્રાઈઝ એસ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસીસ બિલ, 2020.
3. ધ એસેન્સીઅલ કૉમોડિટીસ (અમેન્ડમેન્ટ) બિલ, 2020

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર લોકોને માત્ર આ બિલ ના ફાયદા બતાવી રહ્યા છે, જ્યારે કોંગ્રેસ અને બીજા દળો આ બિલથી થનારા ગેરફાયદાઓ માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કેન્દ્ર સરકારે પાસ કરેલા આ બીલો માંથી ધ ફાર્મર્સ પ્રોડ્યૂસ ટ્રેડ એન્ડ કૉમેર્સ (પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) બિલ, 2020 અને ધ ફાર્મર્સ (એમ્પવર્મેન્ટ એન્ડ પ્રોટેકશન) એગ્રીમેન્ટ ઓફ પ્રાઇસ એસ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસીસ બિલ, 2020 વધારે તો ખેડૂતોને લાગુ પડે છે પરંતુ ધ એસેન્સીઅલ કૉમોડિટીસ (અમેન્ડમેન્ટ) બિલ, 2020 ખેડૂતો કરતા વધારે દેશના દરેક નાગરિકોના ખિસ્સા ખાલી કરનારું બિલ બને તો નવાઈ નહીં. તો ચાલો હવે આપણે જાણીએ આ બિલો ના ફાયદા અને ગેરફાયદા એકદમ સરળ ભાષામાં.

1. ધ ફાર્મર્સ પ્રોડ્યૂસ ટ્રેડ એન્ડ કૉમેર્સ (પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) બિલ, 2020.
આ બિલ ખેડૂતોને પોતાની ખેતપેદાશો ને એપીએમસી બહાર કોઈ પણ માર્કેટમાં વેચવાની છૂટ આપે છે જે ખેડૂતો માટે એક સારી વાત છે કેમ કે એપીએમસી બહાર વેચેલ કોઈપણ ખેતપેદાશો પર રાજ્ય સરકાર માર્કેટ ફી તેમજ સેસ ઉઘરાવી શકશે નહી. ખરેખર તો એપીએમસી ખેડૂતો અને વેપારીઓ વચ્ચે સરળ અને નિષ્પક્ષ વ્યાપાર થાય એ ઉદ્દેશથી બનાવવામાં આવ્યા છે. એપીએમસી વેપારી, કમીશન એજન્ટ તેમજ કોઈ પ્રાઈવેટ માર્કેટને ખેડૂતોની ખેતપેદાશોની ખરીદી માટે લાઇસન્સ ઇશ્યૂ કરે છે અને તેમણે કરેલી ખરીદી પર માર્કેટ ફી તેમજ અન્ય ચાર્જ લે છે.
પરંતુ આ બિલ દ્વારા સરકારે ખાનગી કંપનીઓ અને મોટા કોર્પોરેટ ગૃહોને મિનિમમ સપોર્ટ પ્રાઈઝ એટલે કે આપણે જેને ટેકાના ભાવ કહીએ છીએ તે પ્રમાણે ખરીદી કરવાની જવાબદારીમાંથી પણ આઝાદ કરી દીધા છે. આ બિલમાં જો વેપારીઓ ખેડૂતો પાસેથી ટેકાના ભાવ કરતા ઓછા ભાવે ખરીદી કરે તો તેના પર દંડાત્મક કાર્યવાહીની કોઈ જોગવાઈ નથી.

2. ધ ફાર્મર્સ (એમ્પવર્મેન્ટ એન્ડ પ્રોટેકશન) એગ્રીમેન્ટ ઓફ પ્રાઈઝ એસ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસીસ બિલ, 2020.
ખરેખર તો આ બિલ સરકારે કોર્પોરેટ ફાર્મિંગ એટલે કે કરાર આધારિત ખેતી માટે પાસ કર્યું છે. આ બિલના વખાણમાં આપણા વડાપ્રધાન અનેક વખત કહી ચૂક્યા છે કે ભારતના ખેડૂતોને વધુ ઉપજ માટે આધુનિક ટેકનોલોજી ની જરૂર છે જે આ બિલ દ્વારા ખેડૂતોને પ્રાપ્ત થશે. પણ આ વાત હાથીના દાંત બતાવવાના અલગ અને ચાવવાના અલગ જેવી છે. અસલમાં આ બિલ ખેડૂતોને તેમની જ જમીન પર મજુર બનાવનારું બિલ છે. આ બિલ ખેડૂતોની જમીન ને કોર્પોરેટ્સના હાથમાં આપી દેશે અને સાથે સાથે તેમાંથી થયેલી ઉપજનો અધિકાર પણ કંપનીઓના હાથમાં જતો રહેશે.
આ બિલ મુજબ કોર્પોરેટ કંપનીઓ એક થી પાંચ વર્ષ માટે ખેડૂતોની જમીન લઈને તેના પર ખેતી કરી શકે છે. ખેડૂતે પોતાની જમીન પર કંપની કહે તે પ્રમાણે વાવેતર કરવાનું અને જેટલી પણ ઉપર આવે એ પહેલેથી જ નક્કી કરેલા ભાવ પ્રમાણે તે કંપનીને આપી દેવાની! આ બિલ નવા પ્રકારની જમીનદારી પ્રથાનું પુનરાવર્તન છે જેમાં ખેડૂતોની જમીનો મોટી મોટી કોર્પોરેટ કંપનીઓને મળશે જેમાં તેઓ પોતાની મરજી પ્રમાણે નો પાક લેશે અને ખેડૂતો પાસે મજૂરી કરાવશે.

3. ધ એસેન્સીઅલ કૉમોડિટીસ (અમેન્ડમેન્ટ) બિલ, 2020
ધ એસેન્શિયલ કોમોડિટીસ ઍક્ટ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનાં ઉત્પાદન, સંગ્રહ, હલનચલન તેમજ વેચાણને નિયંત્રિત કરે છે. પરંતુ સરકારે આ બિલમાં સુધારા કરીને અનાજ, કઠોળ, તેલીબીયા, ખાદ્યતેલ, ડુંગળી અને બટાકા જેવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓને આ સૂચિમાંથી દૂર કર્યા છે. કેન્દ્ર સરકારે કરેલો આ સુધારો સંગ્રહખોર વેપારીઓને અમર્યાદિત માત્રામાં અનાજ ખરીદીને સંગ્રહ કરવાની પરવાનગી આપે છે. સંગ્રહમાં મળેલી છૂટને લીધે વેપારીઓ ગોડાઉનોમાં અનાજનો સંગ્રહ કરીને બજારમાં કૃત્રિમ અછત સર્જી પોતાના ધાર્યા પ્રમાણેની કિંમતે માલ વેચી શકશે. વળી આ વેપારીઓ જ્યારે જે તે ઉપજની સીઝન આવશે ત્યારે પોતે ગોડાઉનમાં સંગ્રહ કરેલો જથ્થો મોટા પાયે બજારમાં વેચાણ માટે કાઢશે જેથી તે ઉપજના ભાવ એકદમ નીચા જવાથી તેઓ પાણીના ભાવે ખેડૂતો પાસેથી નવો માલ ખરીદી પોતાના ગોડાઉનમાં સંગ્રહ કરી શકે અને સિઝન પત્યા પછી એ જ માલને ચાંદીના ભાવે ફરીથી બજારમાં વેચી શકે. જો આવુ થશે તો દેશનો કોઈ પણ નાગરિક સંગ્રહખોરોએ ઊભી કરેલી કૃત્રિમ મોંઘવારીથી બચી નહીં શકે અને આ બધો બોજ સરવાળે તો સામાન્ય નાગરિકોના ખિસ્સા પર જ આવશે.

ટૂંકમાં કહીએ તો આ ત્રણ બિલ માંથી એક બિલ ખેડૂતોને થોડો ઘણો ફાયદો કરાવી શકે છે પરંતુ બીજું બિલ ખેડૂતોને લાંબાગાળે નુકસાનકારક છે જ્યારે ત્રીજા બિલમાં કરેલા સુધારા દેશના દરેક નાગરિકોનાં ખિસ્સાં ખાલી કરી શકે છે! આ બિલો પાસ કરીને કેન્દ્ર સરકાર જાહેરમાં ખેડૂતો સાથે ઉભી હોવાનો દાવો કરી રહી છે પરંતુ હકીકતમાં સરકાર કોર્પોરેટ જગત સાથે ઉભી હોય તેવું દેખાઈ રહ્યું છે.

Leave a Reply